ગાંભોઈ, સાબરકાંઠા, તા. 10 ઓક્ટોબર 2026
સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે માંકડી ઘાંટી એચ.પી. પેટ્રોલપંપ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર ઝડપી પાડી હતી. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ 1,030 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલને ખાનગી બાતમી મળી હતી કે ભિલોડા તરફથી સફેદ રંગની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે માંકડી ઘાંટી એચ.પી. પેટ્રોલપંપ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ-08-FA-6022 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. કારની તલાશી દરમિયાન અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ 1,030 નંગ મળી આવ્યા હતા.
પોલીસે દારૂ અને બિયરના જથ્થાની કિંમત રૂ. 4,02,058 તથા હ્યુન્ડાઈ ક્રેટા કારની કિંમત રૂ. 6,00,000 ગણી કુલ રૂ. 10,02,058નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ ટીમે હાથ ધરી કાર્યવાહી
આ કામગીરી ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કાળુભાઈ દેવાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ જયંતિ પરમાર સાબરકાંઠા