સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રીના તહેવારો પહેલાં એન્ટી નાર્કોટીક્સ વીંગ દ્વારા નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દોતડ ગામે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 10 લીલા છોડ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 13.143 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 6,57,150 હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આ મામલે દોતડ ગામના જોગત ફળિયામાં રહેતા પ્રવિણભાઈ બાબુભાઈ તરાલને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
નવરાત્રીના તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એન્ટી નાર્કોટીક્સ વીંગના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જે. વાળા અને પીએસઆઈ આર.કે. ગજ્જરના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ સુમતીભાઈને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી સફળ રહી હતી.
પોશીના વિસ્તારમાં કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાતાં ચકચાર મચી છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા
Tags
બ્રેકિંગ ન્યુઝ