ઇડર
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં બસ સ્ટેન્ડની સામે આવેલા અરોમા સ્પા મસાજ સેન્ટરમાં હિંમતનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાની શરતોનું પાલન ન થયું હોવાનું સામે આવતાં સ્પાના સંચાલક અને માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાં સ્પા અને મસાજ સેન્ટરની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલના ભાગરૂપે AHTU હિંમતનગરની ટીમે ઇડરના અરોમા સ્પામાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સ્પામાં ચાર મહિલા કર્મચારીઓ કામ કરતી હોવાનું જણાયું હતું. સ્પાના સંચાલક પાસે સ્પાનું લાયસન્સ ઉપલબ્ધ હતું, પરંતુ ત્યાં કામ કરતી મહિલા કર્મચારીઓના આધાર પુરાવા તથા તેમની નોંધણી સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.
આ મામલે AHTU હિંમતનગરનાં મહિલા હેડ કોન્સ્ટેબલ સુમનબેન કિશોરભાઈએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સ્પાના સંચાલક કચરૂભાઈ વાલજીભાઈ પટેલ તથા માલિક નરેશભાઈ દલાભાઈ પટેલ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ટી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ મામલે આગળ શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર છે.
જયંતિ પરમાર સાબરકાંઠા
—