અરવલ્લીના ગલીસેમરો ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ: 169 લીલા છોડ સાથે રૂ. 43.12 લાખનો મુદ્દામાલ જપ્ત


ANW અને SOGની સંયુક્ત ટીમની કાર્યવાહી, 86.250 કિલોગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા; 36 વર્ષીય અનિલભાઈ ડામોર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

શામળાજી, અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વાવેતર અને વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગલીસેમરો ગામે દરોડો પાડીને ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં કુલ 169 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 86.250 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 43,12,500 હોવાનું જાણવા મળ્યું છે.

બાતમીના આધારે ખેતરમાં દરોડો

મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના સીધા સુપરવિઝન હેઠળ ANWના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. શર્મા તથા SOGના PSI એ.એચ. રાઠોડ અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતીઅને

પોલીસે સરકારી પંચો, FSL અધિકારી અને વિડિયોગ્રાફરની હાજરીમાં ગલીસેમરો ગામે આવેલા મકાઈ તથા જુવારના વાવેતરવાળા ખેતરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખેતરમાં ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં છોડ ગાંજાના હોવાનું જણાયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

169 છોડ સહિત રૂ. 43.12 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 169 લીલા છોડ કબજે કર્યા હતા. આ છોડનું કુલ વજન 86.250 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 43,12,500 આંકવામાં આવી છે. આમ, ગલીસેમરો ગામે ખેતરમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

36 વર્ષીય શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો

આ મામલે પોલીસે અનિલભાઈ મરતાભાઈ ડામોર (ઉંમર 36 વર્ષ), રહે. ડામોર ફળિયું, ગલીસેમરો, તાલુકો શામળાજી, જિલ્લો અરવલ્લી, સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 11188010260611/2026 હેઠળ NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 20(A)(1) અને 20(B)(2)(C) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ANW અને SOGની સંયુક્ત કામગીરી

અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને વેચાણ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહેવાલ જયંતિ પરમાર

Post a Comment

Previous Post Next Post