હિંમતનગર નજીક બે અલગ-અલગ અકસ્માત: કાંકરોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત, ડોલગઢ પાટિયા પાસે બે કાર અથડાતાં ચારને ઈજા


કાંકરોલ પાસે અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર; ડોલગઢ પાટિયા પાસે બે કારના આગળના ભાગને ભારે નુકસાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર અકસ્માતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે-48 પર કાંકરોલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક અજાણ્યા આધેડનું મોત નીપજ્યું હતું, જ્યારે હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડોલગઢ પાટિયા પાસે બે કાર સામસામે અથડાતાં ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંને બનાવોને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાંકરોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત

પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે-48 પર કાંકરોલ નજીક રસ્તો ઓળંગી રહેલા એક અજાણ્યા આધેડને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ગંભીરતાને કારણે આધેડને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકની ઓળખ મેળવવા તેમજ અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.
ડોલગઢ પાટિયા પાસે બે કાર વચ્ચે અકસ્માત, ચારને ઈજા

અકસમાતનો બીજો બનાવ હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડોલગઢ પાટિયા નજીક બન્યો હતો. અહીં હ્યુન્ડાઈ આઈ-10 કાર નંબર GJ-09-BJ-2827 અને ટાટા ટિયાગો કાર નંબર GJ-09-BG-6329 વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં અંદાજે ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ થતાં સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. બંને અકસ્માતના બનાવોમાં પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ: કાંકરોલ પાસેના અકસ્માતમાં મૃતકની ઓળખ અને અકસ્માત સર્જનાર વાહન અંગેની વિગતો હજુ તપાસનો વિષય છે.
જયંતિ પરમાર સાબરકાંઠા 

Post a Comment

Previous Post Next Post