ઈડર અને વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી; હિંમતનગરમાં પ્રાથમિક સારવાર બાદ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રખાયો
ઈડર, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ઈડર રેન્જ હેઠળ આવતા વસાઈ ગામે ઘાયલ દીપડો મળી આવતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈડર રેન્જ અને વડાલી નોર્મલ રેન્જના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી દીપડાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દીપડાને વધુ સારવારની જરૂર જણાતાં વન વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નાયબ વન સંરક્ષક શ્રી ગઢવીના માર્ગદર્શન હેઠળ ધોલવાણી રેન્જમાંથી રેસ્ક્યૂ વાન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ઘાયલ દીપડાને કામધેનુ યુનિવર્સિટી, રાજપુર, હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પશુચિકિત્સક તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન નાયબ વન સંરક્ષકના સંપર્ક અને માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
દીપડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર તથા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખવાની જરૂરિયાત જણાઈ હતી. આથી રાત્રિના સમયે ઈડર રેન્જના સ્ટાફ અને ધોલવાણી રેન્જની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા દીપડાને અમદાવાદના બોડકદેવ WCC ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગની વિવિધ ટીમોએ સંકલન સાધીને ઘાયલ દીપડાને સમયસર સારવાર મળે તે માટે કામગીરી હાથ ધરી હતી. હાલ દીપડાને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે બોડકદેવ WCC ખાતે લઈ જવામાં આવ્યો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા